ન્યાયાલયો અને કોવિડ-૧૯: ન્યાયિક કાર્યક્ષમતા માટેના સમાધાનોનું અનુગ્રહણ
માનનીય ન્યાયમૂર્તિ શ્રી ડાૅ. ડી.વાય. ચંદ્રચૂડે વિશ્ર્વ બેન્ક ખાતે ૧૭ જૂન, ૨૦૨૦ ના રોજ “ન્યાયાલયો અને કોવિડ-૧૯: ન્યાયિક કાર્યક્ષમતા માટેના સમાધાનોનું અનુગ્રહણ ” ના મુદ્દે વ્યાખ્યાન આપેલ. આ પ્રસ્તુતિમાં તેઓએ ભારતમાં કોવિડ-૧૯ મહામારી પ્રત્યે તાત્કાલિક ન્યાયિક પ્રતિસાદની ચર્ચા કરી. ભારતના સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા સમયમર્યાદાને સ્થગિત કરતાં હુકમો કરવામં આવેલ તથા વચગાળાના હુકમો તથા જામીનની શરતોના હુકમો લંબાવી દેવામાં આવેલ. મહામારીના કારણે ઊભા થયેલ પડકારોને પહોંચી વળવા વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી યોજવા માટેની માર્ગદર્શિકા, તાકીદની સુનાવણીઓ માટે માનક કાર્યપ્રક્રિયા તથા ઇ-ફાઇલિંગ અપનાવવામાં આવેલ.
તેઓએ ઇ-કમિટી દ્વારા તેની ઇ-પહેલ થી હાંસલ કરવામાં આવેલ સિદ્ધિઓની પણ ચર્ચા કરેલ. જેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.
- એક મુક્ત અને જાહેર સ્ત્રોત સોફ્ટવેર આધારિત કેસ માહિતી અને પ્રબંધન પ્રણાલીનો વિકાસ.
- ન્યાયાલય સંકુલોમાં ઇ-સેવા કેન્દ્રો.
- યાતાયાતને લગતા નાના ગુન્હાઓ માટે વર્ચુઅલ અદાલતો શરૂ કરવામાં આવી, જેમાં નાના ગુન્હા કબુલ કરીને ઓનલાઇન દંડ ભરવો અથવા જો ગુન્હો કબુલ ન હોય, તો કેસ લડવા માટેના વિકલ્પો છે.
- દેશની બધી જ જીલ્લા, તાલુકા અદાલતો તથા ઉચ્ચ અદાલતોમાં અનિર્ણિત તથા ફેંસલ થયેલ કેસોને લગતા ડેટાના રાષ્ટ્રીય સંગ્રહ તરીકે એક ન્યાયિક ડેટાગ્રીડનો વિકાસ.
- સમન્સ બજવણીમાં થતા વિલંબને પહોંચી વળવા જી.પી.એસ. આધારિત સોફ્ટવેર એપ્લીકેશન NSTEP નો પ્રારંભ.
- સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓના ભાષાંતર માટે, પુનરાવર્તિત થતાં માળખાવાળા કેસો શોધવા માટે, ચેક બાઉન્સિંગ ને લગતાં કેસો માટે તથા કેસોના ચીલા શોધવા માટે કૃત્રિમ બુદ્ધિમતા (એ.આઇ.)નો ઉપયોગ.
તેઓએ સૂચન કરેલ કે એક મોટા પક્ષકાર તરીકે સરકાર પરિણામોની આગાહી કરીને વસ્તુલક્ષી સમાધાનો લાવવા એ.આઇ. નો ઉપયોગ કરી શકે છે. “હર મેજેસ્ટી કોર્ટસ્ એન્ડ ટ્રીબ્યુનલ સર્વિસિઝ, યુ.કે. સરકારના ચીફ એક્ઝીક્યુટીવ” સુઝાન હૂડને ટાંકતા તેઓએ જણાવેલ કે, “આપણી પ્રક્રિયાઓ આપણા સિદ્ધાંતો જેટલી જ જૂનિ હોય તે જરૂરી નથી.” ટેકનોલોજીએ અદાલતોમાં ભાૈતિક હાજરીની જરૂરિયાતને બદલી નાંખી છે. ન્યાયના સંચાલનને નાગરિકોની સેવા તરીકે કલ્પવાની જરૂર છે. સમાવેષિત ન્યાયના મહત્વ પર ભાર આપતા તેઓએ જણાવેલ કે ઇ-કોર્ટસ્ ની પહેલોના ઇન્ટરફેસ ન્યાય સુધી પહોંચ વધારે તેવા હોવાં જોઇએ, અને તે ઉપયોગકર્તાને ધ્યાને રાખીને આવી એપ્લીકેશનસ્ તથા વેબસાઇટસ બનાવવા થી સિદ્ધ થશે. તેઓએ ભારપૂર્વક જણાવ્યું કે ભવિષ્યની રાહ સમાનુભૂતિ, સ્થિરતા અને પારદર્શિતાના સિદ્ધાંતો પર આધારિત હોવી જોઇએ. તેના માટે વિવિધ હિતધારકો, જેમ કે સરકાર, બાર, ખાનગીક્ષેત્ર અને વ્યક્તિઓના પરામર્શની જરૂર રહે છે. પ્રતિસાદ પદ્ધતિ વિકસાવવાની, ડિજીટલ વિભાજન ઘટાડવા સમાવેષી માળખું વિકસાવવાની, હિતધારકોને તાલીમ આપવાની, સમગ્ર દેશની અદાલતોમાં માનકીકરણ તથા એકરૂપતા જાળવવાની તથા મજબૂત ડેટા સંરક્ષણ અને ડેટા સ્થળાંતર પ્રણાલી વિકસાવવાની જરૂરિયાત છે.